Blogger Widgets અરમાન: અહિંસા કે સમબુદ્ધિથી હિંસા?

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

અહિંસા કે સમબુદ્ધિથી હિંસા?

               પોતાનાં સુખદુઃખ, લાભહાનિ, યશ-અપયશ, જીવનમરણ, પાપપુણ્ય વગેરે બાબતો માટે અનેક સાચી ખોટી કલ્પનાઓ આવે અને તેથી મન ચંચળ થઈ જાય ત્યારે તે સમયે મનને સ્થિર રાખવા માટે સમબુદ્ધિની જરૂર હોય છે. બીજાનાં સુખદુઃખ, ભલાઈ-બુરાઈ, હિંસા-અહિંસા વિશે વિચાર શૂન્ય થવા માટે સમબુદ્ધિની જરૂર નથી. પોતાની ધાર્મિક માન્યતાઓ અને ભાવનાઓને લીધે સ્વજનોની હિંસા કરવાનું અર્જુનને પાપ અને ભય લાગતાં હતાં તે દૂર કરવા માટે તેનું કર્તવ્ય અને તેનો ધર્મ સમજાવતાં, ભય અને પાપમાંથી છૂટવાના માર્ગ-ઉપાયરૂપે તેને સમબુદ્ધિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ‘કર્મો મને અર્પણ કર’, ‘ઈશ્વરનું સૂત્રધારપણું ઓળખીને કર્મ કર’ વગેરે જે વચનો ગીતામાં કહ્યાં છે તે નિરહંકારપણે કર્મ કરવામાં આવે, કર્તાપણાનું અભિમાન ન રાખતાં કર્મ કરવામાં આવે તો એ કર્મનાં સારાંનરસાં ફળ-પરિણામોથી માણસ અલિપ્ત રહી શકે છે, અને તેને કર્મનું બંધન થતું નથી એ વાત સમજાવવા અને ઠસાવવા માટે અને અર્જુનને પાપના ભયમાંથી મુક્ત કરવા માટે સમબુદ્ધિના ઉપદેશનો હેતુ છે. મરણ પછી થનારી આપણી ગતિના ભય સાથે પાપનો સંબંધ માનવામાં આવે છે.
            આજે આપણી ધાર્મિક માન્યતાઓ, કલ્પનાઓ,ભાવનાઓ તે જમાનાના જેવી રહી નથી. આ સ્થિતિમાં તે કાળનો ઉપદેશ આપણે માટે નથી એમ આપણે સમજવું જોઇએ. તે કાળની ધર્મ વિશેની કલ્પનાને અનુસરીને જ તે સમયે પાપ વિશેની કલ્પનાઓ હતી અને તે પ્રમાણે પાપ નિવારણ કે પ્રાયશ્ચિતના ઉપાયો પણ કાલ્પનિક હતા.
            હિંસાનો વિચાર કરતાં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદનો આપણી વૃત્તિ કે મનને અનુકૂળ લાગતો ભાગ આપણે ગ્રહણ કરી લઇએ છીએ, પણ તે સાથે ધાર્મિક મનાયેલી બીજી બાબતોમાંયે તે લોકો કેટલા દૃઢ હતા તેને આપણે લક્ષમાં નથી લેતા. દ્રોપદી સાથેના પાંચ ભાઇઓ વચ્ચે ઠરેલા નિયમનો અર્જુનથી થોડોક ભંગ થતાં જ અર્જુને તીર્થાટનનું પ્રાયશ્ચિત કરેલું તે બાબતમાં આપણે વિચાર નથી કરતાં. નિયમભંગ એક બીજા ધર્મના આચરણના શુભ હેતુ માટે કરેલ અને શુભ હેતુનો આશ્રય લઈને તેણે પ્રાયશ્ચિત ટાળવાનો પ્રયત્ન કર્યો નહોતો.
           पश्यन शुण्वन स्पृशन…ગીતાના આ શ્લોકમાં કહેલી સ્વાભાવિક ક્રિયાઓ પ્રમાણે જ શસ્ત્રો ચલાવવાં-લડવું એ તે કાળના ક્ષત્રિયોનું સહજકર્મ થયેલું હતું. એ જ પોતાનો જન્મજાત ધર્મ છે એવી તેમની શ્રદ્ધા અને સ્વભાવ બનેલો હતો. જેને ધર્મ માને તેને માટે પ્રસંગ આવ્યે પ્રાણ લેવા-આપવા તૈયાર થઈ જવું તેમના નિત્યજીવનમાં સ્વાભાવિક બની ગયેલ હતું. તેમના રોમરોમમાં ઊતરેલો સ્વભાવ હોવા છતાં હિંસામાં દોષ છે એ પણ તેમને માન્ય હતું અને તેથી યુદ્ધમાં થયેલા પાપનું પ્રાયશ્ચિત અશ્વમેઘ યજ્ઞ કરીને પાંડવોએ કરેલું. હિંસાના દોષનું પાલન બીજી હિંસા જ વડે કેવી રીતે થઈ શકે તે તો એ કાળના લોકો જ સમજી શકે! પણ એવી તેમની ધર્મ, પાપ અને પાપનિવારણની કલ્પનાઓ હતી એ વાત તો નક્કી.
                હવે તેવી જ આપણી કલ્પનાઓ છે એમ કોઇ કહે એમ લાગતું નથી તો જો તેમ ન હોય તો તેમની સમબુદ્ધિનો આધાર આજે આપણને શા કામનો? સારાંશ અર્જુનને આપેલા ઉપદેશ પરથી આપણાં આજનાં કર્તવ્યો આપણે ઠરાવી શકીએ નહીં. કારણ કે સમયની સાથે સાથે ધર્મ-અધર્મની બાબતમાં આપણા વિચારો બદલાયેલા છે, તથા શિક્ષણ, સંસ્કાર, અનુભવ અને પરસ્પર સંબંધમાંયે ફરક પડેલ છે.
સમબુદ્ધિ, સ્થિરબુદ્ધિ, સહજકર્મ, વ્યક્તિગત ફળની ઈચ્છા છોડીને કરેલું કર્મ વગેરે પરથી એક કર્મ સારું કે નરસું કે યોગ્ય-અયોગ્ય ઠરાવી ન શકાય. સારાનરસાની પરવા ન કરવી એમાં સમબુદ્ધિનો આભાસ આવવાનો સંભવ છે. સતત અભ્યાસ-મહાવરાથી સ્થિરબુદ્ધિથી સહજકર્મ કરતાં આવડે એ શક્ય છે. સામુદાયિક લાભની દૃષ્ટિએ કરેલાં કર્મો ફળની ઇચ્છા વિનાના છે એમ માની શકાય પરંતુ તેના પરથી બધાં કર્મો નિર્દોષ છે એમ ન કહી શકાય. કર્મોની સદોષતા-નિર્દોષતા એ કેવળ સકામ-નિષ્કામ હેતુ પરથી જ ઠરતી નથી. તે કર્મ ઉચિત છે કે નહીં તે પરથી તેની  યોગ્ય અયોગ્યતા નક્કી કરવાની હોય છે. સમબુદ્ધિ, સ્થિરબુદ્ધિ, ફળ વિશે અનાસક્તિ વગેરે પ્રશ્નો ત્યાર પછીના છે. કેવળ સમબુદ્ધિથી કરેલી હિંસાને અહિંસા જ છે એમ માનીએ, તો તો એવાં કેટલાંયે કર્મો સદોષ હોવાં છતાં માત્ર સમબુદ્ધિથી કરેલાં હોવાને લીધે નિર્દોષ સમજાવા લાગે. ચોરી, ધાડ, જુગાર, દુરાચાર વગેરે સર્વે કર્મોમાં નિષ્ણાત લોકો કર્મ કરવાં છતાં અકર્તા થઈ શકશે. ધાડપાડુઓની ટોળકીનો માણસ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે કોઇને લૂંટતો નથી તેથી એમ ન કહી શકાય કે સામુદાયિક સ્વાર્થની દૃષ્ટિએ કરેલાં તેના કર્મ નિર્દોષ છે.
              હિંસામાં દોષ વિશેની કલ્પના લાંબા કાળથી માનવસમાજમાં ઉત્પન્ન થયેલી છે . તે સાથે જે મનુષ્યમાં સ્વાર્થવૃત્તિ ભરપૂર છે તેને પોતાના સ્વાર્થ માટે જ્યારે જ્યારે હિંસા કરવી પડે ત્યારે ત્યારે તેને નિર્દોષ ઠરાવવાના પ્રયત્નો કર્યા કરે છે. સ્વાર્થ ક્યારેક વ્યક્તિગત, ક્યારેક જ્ઞાતિ માટે, સમાજ, ધર્મ, રાષ્ટ્ર, દેશ વગેરે માટે હોય છે. યજ્ઞાર્થે, ધર્માર્થે, દેશાર્થે કરેલી હિંસા અથવા પરમેશ્વરને નામે કરેલી હિંસા એ હિંસા નથી પણ તે કર્તવ્ય છે અને તે કરવામાં પુણ્ય છે એવા આશયના વચનો ધાર્મિક અને રાષ્ટ્રીય ગ્રંથોમાંથી મળી આવશે. તે વચનોના આધારે જ મોટા મોટા યજ્ઞો કરવામાં આવતાં. તેને જ આધારે  પોતાના સમાજને ઉશ્કેરીને ધર્મને નામે ‘ક્રુસેડો’ જેવી ધાર્મિક લડાઈઓ લાંબા સમય સુધી ચાલુ રખાતી. અને આવા વચનોની મદદથી એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો પર બેહદ અત્યાચાર કરતા. આજે પણ આવા હત્યાકાંડો આવા આધાર પર ચાલે છે. માણસમાં રહેલી દુષ્ટતા, કઠોરતા, સ્વાર્થ વગેરે વૃત્તિઓ જ્યારે ધર્મનો આશ્રય લે ત્યારે તે ભયંકરતાની પરાકષ્ઠાએ પહોંચે છે.
             યજ્ઞના બલિદાનને આજે કોઇ ધર્મ સમજે છે? ‘ક્રુસેડ’ જેવાં યુદ્ધોને તે ધર્મના અનુયાયી સિવાય બીજા કોઇ ધર્મયુદ્ધ સમજે છે? પુણ્ય કે સદગતિની લાલચ પર કરાવવામાં આવેલા સંહારને કોઇ ધર્મ સમજે છે?
થોડો વિચાર કરતાં માલૂમ પડશે કે મરશે તો સ્વર્ગ અને જીવશે તો રાજ્ય બંને હિંસાને નિર્દોષ ઠરાવવા માટે છે જેને સ્વર્ગ અને રાજ્ય બંનેની પરવા ન હોય પણ મોક્ષ કે તેના જેવી કોઇ ઉચ્ચ આકાંક્ષા હોય તેને હિંસા દોષરૂપ લાગતી હોય, તેના સમાધાનાર્થે ‘સમબુદ્ધિનો માર્ગ’ શોધવો પડ્યો. પરંતુ યજ્ઞ, ધર્મ, દેશ, સમબુદ્ધિ એ સર્વે કલ્પનાઓ એક જ વર્ગની છે. બીજી અને સમબુદ્ધિની કલ્પનામાં ફરક માત્ર એટલો જ છે કે પુણ્ય કે સ્વર્ગને બદલે મોક્ષની આશા દેખાડી છે.
             પાપપુણ્યની જૂની કલ્પનાઓ-માન્યતાઓ આજની પેઢીમાં લગભગ નાશ પામી ગઇ છે. તે પ્રમાણે ભય અને લાલસાની ભાવનાઓ પણ પહેલાં જેવી નથી રહી. હજારો વર્ષ જૂની એ માન્યતાઓ કે ભાવનાઓને મુખ્ય પ્રમાણ માનીને તેના પરથી આપણે આપણા આજના જીવનની સર્વસાધારણ બાબતોનો નિર્ણય કે ધોરણ ઠરાવતાં નથી. આ સ્થિતિમાં આજે પ્રત્યક્ષ બનતી બાબતો, તેનાં કારણો અને પરિણામો પરથી આપણે એટલું જ કહી શકીએ કે માત્ર વ્યક્તિગત કે સામુદાયિક સ્વાર્થ કે વિકાસ અને વૈભવ વધારવા માટે થતી હિંસા કરતાં પોતાનાં કે પોતાનાં જેવાં બીજાઓનાં પ્રાણ અને ચારિત્ર્યના રક્ષણ માટે તેમ જ ન્યાયપૂર્વક આજીવિકા માટે જે હિંસા કરવી પડે તે તદ્દન અલ્પ દોષવાળી છે. તેટલો અલ્પ દોષ ટાળીને જીવનધોરણ સિદ્ધ કરવાનું સામર્થ્ય હજુ મનુષ્યમાં આવ્યું નથી. તેના સાધન કે માર્ગ હજુ મળ્યાં નથી માટે તેટલો દોષ સ્વીકારીને તેને પોતાનું ભલું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો પડે છે એટલું જ સત્ય આપણે કહી શકીએ તેમ છીએ.
             હિંસા-અહિંસાની વિચારસરણી આપણે આજે બદલવા ઇચ્છીએ છીએ, જુદાં ધોરણથી વિચાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. માનવજાતિના ઈતિહાસને તપાસતાં અને આજની સ્થિતિ ધ્યાનમાં રખીને લડાઇ અને તેનાથી થતી હિંસા પરમ અવધિએ પહોંચેલી લાગે છે. હિંસાથી પ્રતિહિંસા જ વધતી જાય છે. તે જોતાં હિંસાનું નિવારણ હિંસા નથી એમ સ્પષ્ટ લાગવા માંડ્યું છે. જે ઉપાયથી ઉપાયો શોધવાના પ્રસંગો ઓછા થતા જાય તે સાચો ઉપાય અને તે ઉપાય કયો તેની શોધ ચાલી રહી છે. યુદ્ધને લીધે થતી હિંસાથી આજે સમગ્ર પ્રજા દુઃખી ત્રાસેલી અને ભયભીત થયેલી છે. નિરપરાધી અને દુર્બળોનોયે સંહાર થઇ રહ્યો છે દુષ્ટ, દંભ, કપટ, દગાબાજી, અન્યાય,અત્યાચાર,અવિશ્વાસ વધતાં જાય છે. યુદ્ધ વખતે આ બધાનો ભોગ બનેલા સર્વેને ઉભરો આવે છે. પણ યુદ્ધ ના હોય ત્યારે પણ આ બધી યુદ્ધની વૃત્તિઓની અસર માનવજીવન પર પડેલી હોય છે. અને તેને લીધે માનવ-માનવ વચ્ચેના પરસ્પરના ઘણાખરા વ્યવહારો અપવિત્ર, ભ્રષ્ટ, કલુષિત અને કલંકિત થાય છે. માણસ જ આજે માણસનો સૌથી મોટો ને ભયંકર શત્રુ થઇને બેઠેલો છે.               
અત્યારના હિંસાત્મક ઉપાયોથી એ સ્થિતિ બદલાય તેમ શક્ય નથી. તેથી મનુષ્ય-સ્વભાવમાં વૃદ્ધિ પામતી આ રાક્ષસી વૃત્તિનું નિયંત્રણ થાય તેવો સામુદાયિક અને સંગઠિત ઉપાયની આજે જરૂર છે. અહિંસાતત્વને કયા કયા ક્ષેત્રમાં કઇ રીતે પ્રચાર કરવાથી અને કઇ રીતે સંગઠિત યોજનાના અમલથી રાક્ષસીવૃત્તિ ઓછી થાય તેની શોધ જરૂરી છે. સમબુદ્ધિના આધારે હિંસાને નિર્દોષ ઠરાવવાથી અથવા સ્થિતપ્રજ્ઞોની ફોજ તૈયાર કરવાના પ્રયત્નથી આજનો પ્રશ્ન ઉકેલી શકાશે નહીં. ગીતાના ઉપદેશવાળા લક્ષણોવાળો કોઇ સ્થિતપ્રજ્ઞ લડી શકશે કે નહીં એ વિશે સર્વાંશે શંકા હોવા છતાં એનો સંભવ છે એમ માનીએ તો પણ તેનું પરિણામ બહુ બહુ તો એટલું જ આવે કે સ્થિતપ્રજ્ઞોની ફોજમાં લડવાનું કંઇક વધુ બળ ઉત્પન્ન થયાનો કદાચિત અનુભવ થાય, તો જગતમાં બધે જ સ્થિતપ્રજ્ઞોની સેનાઓ તૈયાર થવા માંડશે. અને આજે સાધારણ લોકોમાં લડાઈઓ ચાલુ છે તે સ્થિતપ્રજ્ઞોમાં થવા માંડશે! પણ માનવજાતિની પરસ્પર સંહારવૃત્તિ કેમ ટળે એ મુખ્ય પ્રશ્ન ઉકલ્યા વગર જ ઊભો રહેશે. આથી હાલની અહિંસાત્મક વિચારસરણીથી જ આ પ્રશ્નનો નિર્ણય લાવવો જોઇએ એ સિવાય બીજો માર્ગ નથી.
(શ્રી કેદારનાથજીના ‘વિચારદર્શન’ પુસ્તકમાંથી)

No comments:

Post a Comment