Blogger Widgets અરમાન: ચાલો જીવન બદલીએ....

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Friday, November 16, 2012

ચાલો જીવન બદલીએ....

તમે સવારે જાગો છો ત્યારે 
કેટલા  આનંદમાં છો
એના  પર આખા દિવસનો આધાર છે.
તમારો  ભૂતકાળ
ગમેં તે હોય-
પણ  તમારું ભવિષ્ય
કોરી  પાટી જેવું છે.
તેના પર કેવા અક્ષર પાડવા
એનો અધિકાર તમારો પોતાનો છે
ચાલો આપણે બધા
આ નવા વર્ષની કોરી પાટી પર
પ્રેમ, સુખ, સહયોગ અને
સૌહાદર્યના અક્ષર પાડીએ.
ક્ષમાભાવને ‌‍હૃદયે ધરી
યશ, કિર્તી, સિદ્ધિ અને
સફળતાની કામના કરીએ......
એ જ શુભકામના







વિજય પ્રાપ્ત થવાના થોડા સમય અગાઉ

મહાન યોદ્ધાઓને પણ મેદાન છોડવાની
ઈચ્છા થઈ આવે છે.
 કોઈ વાર નવા જ  આકર્ષણમાં
મન લોભાય છે
અને તપશ્વર્યા અધૂરી રહી જાય છે.
આ દુનિયામાં પરાજયના ભયના કારણે
સ્પર્ધાથી જ દૂર રહેનારા લોકો છે
તો વળી
પરાજયની પરવા વિના ઝનૂનપૂર્વક
જાનની બાજી લગાવનારા મરજીવાઓ પણ છે.
તમને ખબર છે - મેદાનમાં યુદ્ધ જીતતા પહેલાં
ચક્રવ્યૂહને શીખી લેવાનો મહિમા છે.
કારણ કે માનવજાતને
વારંવાર સાતમાં કોઠામાં હારવું
પોસાય તેમ નથી.
યાદ રાખો, જીતનો પ્રારંભિક અર્થ છે સાવધાની.
ગમે  તેવા વિષમ સંજોગોમાં પણ
તમો તમારી જિંદગીના મેદાનમાં ટકી રહેજો,
મેદાન છોડવું  એ તો
પરાજયથી પણ મોટો પરાજય છે.







 



 સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય નથી.
માત્ર  વધુ મજૂરી કરવાથી સફળતા મળી જતી નથી,
સફળતા  સહજ  છે
 સમજણ પૂર્વકના પ્રયત્નોથી...
ઘણીવાર  સફળતા
આપણી  નજર સામે જ હોય છે પણ
આપણું એ તરફ ધ્યાન હોતું નથી.
સફળતા  મેળવવા માટે
સક્રિય બનો - જાગૃત રહો -
પ્રમાણિકતા-ખંત અને ધીરજ ધરો,
ટોળાથી આગળ રહી તાકો ઊંચું નિશાન...
ભૂતકાળ ભૂલો - વર્તમાનમાં જીવો
અને ભવિષ્ય પર ભરોસો રાખો...
વિજય માટે કૃતનિશ્વયી બની
અંત સુધી સંઘર્ષ કરો...
હંમેશા યાદ રાખજો
સફળતાનો મુખ્ય આધાર
તમારી તીવ્ર મનોકામના છે.


 



આ વિશ્વમાં પરિસ્થિતિને
કોઈ બદલતું નથી ત્યાં સુધી
એ બદલાતી નથી.
ઉમદા કાર્ય તો સત્યની પડખે રહેવું તે છે !!!!
સત્ય લાવશે ખ્યાતિ અને લાભાલાભ...
સત્યને સંઘરશે બહાદૂર અને હિંમતવાન...
સત્ય તો તેમને મન ધરતી અને આભ...
કાયર તો ઊભો રહેશે ખૂણે...
શંકાથી ભર્યો  ભર્યો...
પણ
સત્યના ઉપાસકો જ આખરે તર્યા...
પારદર્શક પ્રમાણિકતા જ આખરે પોંખાય...
અયોગ્ય અને નકામી બાબતોથી
જે ડરી જાય તે બહાદૂર શાનો ?
જેનું ઉમદા દિલ ધડકતું રહે સદૈવ
ઉત્તમ કાર્યો કરવા...
અને જે ઝઝૂમતો રહે, વજ્જરની છાતી લઈ
ભમે જોખમો સામે નખશીશ પ્રમાણિકતા સાથે
તેવા માણસને નમે સૌ... 




 



પ્રેમ હોય છે ક્યારેક નવજાત શિશુના હોઠ જેવો
કુમળો ગુલાબી ગુલાબી
પ્રેમ હોય છે  ક્યારેક મધ્યાહ્નનના સૂર્યકિરણ જેવો
બળબળતો ધીખતો આકરો,
પ્રેમ હોય છે  ક્યારેક મરૂભૂમિની રેતી જેવો...
શુષ્ક ખરબચડો ઝાંખો.
પ્રેમ હોય છે  ક્યારેક દરિયાની ભરતી જેવો
ઉછળતો ભર્યો ભર્યો ભીંજવતો
પ્રેમ હોય છે  ક્યારેક નદીના ઘોડાપૂર જેવો  
ડહોળાયેલો ધસમસતો તાણી જતો
પ્રેમ હોય છે  ક્યારેક ઘટાદાર વૃક્ષ જેવો
પર્ણ પર્ણ ઝળુંબતો છાયો પાથરતો
પ્રેમ ક્યારેક કેવળ પ્રેમ જેવો જ હોય છે
ચાલો આવા નિર્મળ પ્રેમને
નિર્વ્યાજપણે સૌ સુધી વહાવી
પરિતૃપ્તિનો પરિચય કેળવીએ...

જે  પૂણ્ય કરે તે દેવ બની જાય...
જે  પાપ કરે તે પશુ બની જાય...
પરંતુ  પ્રેમ કરે તે માનવ બની જાય...



 


 કદાચ તમે ઈશ્વર સન્મુખ નહિ થાશો તો ચાલશે,
પણ  તમારા ટીકાકારોથી વિમુખ ન થશો.
એમની વચ્ચે શક્ય એટલો સમય તમારી જાતને મૂકજો,
એનાથી તમે વિશુદ્ધિને પામશો,
જે  દિવસે તમને તમારા વિવેચકોની ઉપેક્ષા કરવાનું મન થશે
તે  દિવસથી તમારા ભવિષ્યના માર્ગો
સાંકડા થવા લાગશે.
જ્યાં સુધી ટીકાકારોને આદર આપવા માટેના
આંખ - કાન તમે જાળવશો,
ત્યાં સુધી તમારો વિકાસ ચક્રવૃદ્ધિ રહેશે.
જો તમને તમારી ટીકા કરનારા ઉત્તમ શિક્ષકો ન મળ્યા હોય,
તો આ ટીકાકારોને જ તમો
શ્રેષ્ઠ શિક્ષકો માની લેજો.
લીમડા કડવા હોય છે,
પણ એનો છાંયો શીતળ જ હોય છે.
નિંદક નિયરે રાખીએ....








કોઈને માટે તમારે કંઈ કામ કરવાનું થાય
ત્યારે એ તકને તમારા જીવનની ધન્યતા માનજો.
કારણ કે એમાંથીતમે શોધી શકશો


તમારા વિકાસની છલાંગ માટેના

રહસ્યમય જ્ઞાનમાર્ગોને !



મોટાઓ માટેના કામ આપણને મોટા બનાવે છે

અને નાનાઓ માટેના કામ આપણા દ્વારા
તેઓને મોટા બનાવે છે,
વામનમાંથી વિરાટ થવું
કે એમ થનારને પ્રોત્સાહન આપવું
એ જ છે સફળતા સાથેની દોસ્તી.

તમારી અને સફળતાની દોસ્તી અતૂટ છે,
તમો એવા લોકોમાંથી જ એક છો કે જેઓ
આ જગતમાં જે કંઈ કાર્ય આરંભે છે
તેને અત્યંત સરળતાથી
પરિપૂર્ણ અને સફળ બનાવે છે.







પેરેશુટ સાથે લઈને ઊડતું પક્ષી
મારા જોવામાં નથી આવ્યું.
એ તમામ લોકો મહાન છે
જેઓ પાછા ફરવાના માર્ગને
તોડીને આગળ વધે છે.
માત્ર પહાડોની કે આભની ઊંચાઈ જ નહીં
જિંદગીની ઊંચાઈ પણ ઝંખે છે
સાહસિકતા અને નિર્ભયતા.

તમે સર્વ રીતે ભયમુક્ત હોવાનો
અનુભવ કરજો.
સફળતા માટે તમારે કેળવવી પડશે
સત્ય પ્રમાણિત સાહસિકતા.
તમારે કદી પાછા ફરવાનું નથી,
સહજ બની વહેતી નદીઓ અને ઝરણાંઓ
આ જ વાત સદીઓથી તમને કહે છે.
એને કાન દઈને સાંભળજો...
 
 
 
 
 
અનેક પૂરપાટ વહેતી નદીઓના જળ
જેમાં સતત ઉમેરાતા હોવા છતાં
જે છલકાતો નથી
  અને ગ્રીષ્મના ધોમ તડકામાં
જે ખાલી થઇ જતો નથી
 તેવા સમુદ્રનો ક્યારેક સાક્ષાત્કાર કરજો.
ફૂંફાડા મારતી તોફાની ભરતી વખતેય
જે કિનારાની મર્યાદા ઓળંગતો નથી
અને ઓટ આવવા છતાં જે
નિરાશામાં લુપ્ત થતો નથી
તે મહાન સાગર પણ તમારો
સર્વકાલીન શિક્ષક છે.
જ્યારે પણ તક મળે ત્યારે
તમારા મનના દરિયામાં ડૂબકી મારીને
તમારા સર્વોત્તમ સંકલ્પોના
મહામુલં રત્નોને પામતા રહેજો.
એનાથી તમારી આવતીકાલ માટેનો માર્ગ
વધુ સરળ, પ્રકાશિત અને પ્રસન્ન બનશે.
     





 જ્ઞાની એ છે કે જેને ખબર છે કે તે શું નથી જાણતો,
અજ્ઞાની એ છે કે જેને સતત એ યાદ છે કે તે શું જાણે છે.
આપણે અજ્ઞાન વ્યક્ત કરતાં શીખીએ... 
કારણ કે અડધું જગત જીતી લેવા જેટલી તાકાતની
રૂર પડે છે પોતાના અજ્ઞાનનો એકરાર કરવાની.
તમને જે કંઈ ન આવડે તેને તમે શોધતા ને શીખતા રહેજો
તમારા કરતાં જેઓ નાના હોય તેમની પાસેથી પણ
શીખતા રહેવાનો વિવેક દાખવજો.
તમે જ એક શ્રેષ્ઠ છો, એવા અભિમાનથી હંમેશા દૂર રહેજો.
સહુને શ્રેષ્ઠ થવાનો અધિકાર આજન્મ મળેલો છે,
સામૂહિક વિકાસ જેવો શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી,
કારણ કે એમાં મનુષ્ય પાછળ રહી જવાની તાકાત ગુમાવી દે છે,
એક પડે તો એને ઊભો કરનારા અનેક હોય
એવા સમાજના જ તમો સભ્ય થજો
અને એવા નવા સમાજની જ તમો ઝંખના રાખજો,
અને એ માટે જ પ્રવૃત બનજો.





 તમે આ જગતમાં મહાન થવા જન્મેલા છો
એ વાત
તમે સતત તમારી જાતને યાદ કરાવજો.
વળી યાદ રાખજો કે
માત્ર  સિધ્ધિઓ જ સુખ નથી,
સુખ પણ એક વિરલ સિદ્ધિ જ છે.

તમારા અર્ધજાગ્રત મનમાં છુપાયા છે,
તમારા પ્રતિષ્ઠા, યશ અને ઉપલબ્ધીના રહસ્ય,
એને તમે શાંત ચિત્તે ઓળખજો
અને કુદરતે તમારા અર્ધજાગ્રત મનમાં
સંઘરી રાખેલા અમોલ  ખજાનાને
તમે પ્રાપ્ત કરજો.

જેટલા તમે બહાર દોડો છો...
એનાંથી ક્યાંય વધુ
તમારી પોતાની ભીતર પણ ડૂબકી મારજો,
ત્યાં જ છે તમને જોઈએ છે તે
મેળવી લેવાની ગુરુચાવી.








તમે તમારી લાગણીઓને વેડફી ન નાંખો
 સમાજના અને પરિવારના
સંબંધોમાં એને જમા કરાવજો
બેંક જેવા જ હોય છે લાગણીના ખાતા,
તમે એમાં એક ફૂલ મૂકશો તો
આખું વનરાવન મહેંકી ઉઠશે.

તમારો એક સ્નેહાળ શબ્દ
કોઈના દયની લાંબા ગાળાની ડિપોઝીટ બનશે,
તમારો લખેલો પ્રેમાળ પત્ર
કોઈના માટે હશે લાખો ડોલરનો ચેક.
લાગણી તો જેટલી ડિપોઝીટ થાય
એટલી આપણી જિંદગી સમૃદ્ધ,
 એકાદ વિશ્વાસઘાતથી લાગણીનું એકાઉન્ટ બંધ થઇ શકે...
એકાદ પાછા ફરેલા ચેક જેવું અસત્ય
તમને ગુનેગાર બનાવી શકે,
એવા સંજોગોથી તમે સાવધ રહેજો
લાગણીનો ઉપાડ ઓછો થાય
અને થાપણ વધુ થાય એમ કરજો.
આગળ જતાં જિંદગીના ડગલે ને પગલે
તમે ડિપોઝીટ કરેલી લાગણીઓ
મૂડીથીયે મોટા વ્યાજ સાથે તમને પાછી મળશે...
મળતી  જ રહેશે...







 એકાંતનો ટાપુ દુનિયાના નકશામાં નથી હોતો,
એ તમારે જ શોધી કાઢવાનો હોય છે.
દુનિયાના મહાન માણસોએ આ પૃથ્વીને
જે કંઇ શોધ - સંશોધનો ભેટ આપ્યા છે
તેમાંના ઘણાં તો તેઓ
એકાંતના ટાપુ પરથી જ લઇ આવ્યા છે.
તમે એકલા હશો ત્યારે જ તમારી જાતને
અને જગતને સમજી શકશો.

અતિશુદ્ધ એકાંત આપણને આપે છે
નિર્મળ અને નવા વિચારોના પ્રવાહો,
જેમાં તરતી હોય છે સફળતાની સોનેરી - રૂપેરી માછલીઓ,
તમે એને ઓળખી લેજો અને
તમારી પાછળ આવનારી પેઢીઓ માટે
તમે રસ્તાઓ બનાવતા જજો
જેથી જેમ તમારા પૂર્વેના યાત્રીઓના પરિશ્રમને
કારણે તમને થાક ઓછો લાગ્યો
એમ તારા અનુગામીઓને પણ યાત્રા થોડી વધુ સરળ લાગે.






વાવ કે તળાવના પાણી કરતાં
વધુ ચોખ્ખું હોય છે વહેતી નદીનું જળ,
જોજો તમે કોઈ વિચારધારામાં બંધાઈ ન જતાં,
તમારા મનની ખૂલ્લી બારીઓમાં,
સતત ક્રાંતિ કરતા
આ વિશ્વના નવા પવનને તમે આવવા દેજો,
નવી હવાને તમે ઝડપથી આત્મસાત્ કરજો,
નવી  દિશાઓ, નવી ક્ષિતિજો અને
નવા સીમાસ્થંભો તમે સ્થાપતા રહેજો
કદાચ નાવીન્યને સ્વીકારતા દુનિયાને વાર લાગશે,
પણ  તમો ધીરજ રાખજો,
અભિનંદનના પુષ્પો તમારા પર વરસશે
તમે  જે કંઈ કરો તેમાં સહુનો વિચાર કરશો તો
એક  દિવસ, સહુ તમારો પણ વિચાર કરતાં થશે,
જો  તમે સહુના થઈને રહેશો,
તો  સહુ તમને પોતાનાં કરીને રાખશે.





સુંદર  હોવું અને સુંદર દેખાવું એમાં તફાવત છે,
સુંદર દેખાવું એટલે સુંદર હોવાનું સ્વમાન જાળવવું.
સારું  હોવું અને સારા દેખાવું એમાં ફેર છે.
સારા દેખાવું એટલે સારા હોવાની સહુને ખાતરી કરાવવી.
એ માટે જોઈએ વિશ્વસનીયતા,
વચનબદ્ધતા, સમયપાલન અને નિષ્ઠા.

આ જગત તમને કંઈ માની લે
એ પહેલા તમેં જે છો એના પૂરતાં પુરાવાઓથી
એમના હૈયા છલકાવી દેજો.
તમારામાં રહેલી સંભાવનાના વહાણ પર બેસવાને બદલે
દેખીતી કાગળની હોડી તેઓ જલ્દી સ્વીકારશે,
જે કંઈ તમે પ્રગટ કરો તે જ સત્ય છે
એમ તેઓ માનશે અને એટલે જ
તમારા દરેક વાક્ય, વિચાર અને વર્તનમાં કાળજી રાખજો...
સંસારનો આ આકરો નિયમ છે,
જો તમે શ્રેષ્ઠ થશો તો જ તમારા દ્વારા શ્રેષ્ઠતા વ્યક્ત થશે
અને એટલે જ સુંદર દેખાવાનો આધાર સુંદર હોવામાં છે,
સારા દેખાવાનો આધાર સારા હોવામાં જ છે,
તમે સુંદર છો, તમે સારા છો એ યાદ રાખજો...






તમને કઈ રીતે સમજાવવું કે
સ્થિરતા પણ ધર્મ છે અને અસ્થિરતા પણ ધર્મ છે.
તમારો વિકાસ અને પ્રગતિ અટકી જાય
અને ત્યારે સ્થિર બેસી રહે, તે અધર્મ છે.
તમારા પર કોઈએ મૂકેલા વિશ્વાસને તોડીને
તમે નાસી આવો એ અસ્થિરતા પાપ છે.
પણ  પોતાના અને સહુના કલ્યાણ માટે
તમે બધું જતું કરીને સ્થિર રહો તો
તે તમારો આપદ્ ધર્મ છે
ક્યારેક ઉંબરો ઓળંગ્યા પછી
સૂરજ ઊગતો દેખાય છે,
તો કોઈક્વાર હજાર સૂર્યના તેજ કરતાં
ઘરના દીવાનું અજવાળું વધુ મહત્વનું માલમ પડે છે...
ચાલો સમયને ધ્યાનથી મૂલવતા રહીએ...






આ ગુલમહોર અને ગરમાળો.
જેમ જેમ તડકો વધુ પડે છે
તેમ તેમ એ તો વધુ ને વધુ ખીલતા જાય છે.
ઉનાળાનો ધોમ ધખેત્યારે ગુલમહોર અને
ગરમાળાના ફૂલો ખિલખિલ હસશે.
તમને કોઈવાર ભારે સંકટમાં પણ
પ્રસન્ન રહેવાની કળા
એમની પાસેથી શીખવાનો વિચાર આવ્યો છે !!!
ચાલો શીખી લઈએ
એ વિપરીત સંયોગોમાં પ્રસન્નતા વ્યક્ત કરવાની રીત,
એ જ છે પરમતત્વ સાથેની પ્રીત.

કોઈના આંખોના ક્રોધને બુઝાવવા માટે
એક હળવું સ્મિત ઘણી વાર
લાખો ગેલન પાણીનું કામ કરે છે.

એવું નથી કે તમારે બધું શીખવાનું જ છે,
આ જગતે પણ તમારી પાસેથી ઘણું શીખવાનું છે,
કારણ કે તમારામાં પણ છે ઉત્તમ અને બહાદૂર મનુષ્યની
સાહસિકતા, મૌલિકતા અને પ્રામાણીકતા.





 એવું બને કે
તમને ગમેં સૂરજમુખી
અને અમને ગમેં ગુલાબ,
તમને ગમેં ભૂમિ હરિયાળી
અને અમને ગમેં આકાશ;
કોઈવાર તમને ગમેં ટી-શર્ટ
અને અમને ગમેં કોટ,
તમને ગમેં મોર
અને અમને ગમેં કોયલ,
આપણી બંદગી ને પસંદગી જુદી જુદી હોઈ શકે છે,
પણ આપણા હદય-આત્મા તો એક જ હોવા જોઈએ
બહારના તફાવતો ક્યારેય તોડી ન શકે
આપણી ભીતરની એકતાને
એ અંત:કરણમાં
જિંદગીની આ સિતાર પર
એકસાથે એક જ રાગ વગાડીએ,
આજ છે આપણી સહુથી મજાની
સ્નેહાળ અને સર્વકાલીન જુગલબંધી.
વિકાસના માર્ગની પહેલી શરત!!!






તમને ખબર છે, લોકો તમારી તાકાતની નહીં,

તમારી ઉદારતાની ઈર્ષા કરે છે...
તમારી સંપત્તિની નહીં
તમે એનો જે રીતે સદુપયોગ કરી જાણો છો
એની અદેખાઈ કરે છે...
ઇતિહાસમાં એવા મહાન રાજાઓ થઇ ગયા
જેઓ એમણે ફરમાવેલી સજાઓથી નહીં
પણ એમણે આપેલી ક્ષમાઓથી ઓળખાય છે.
ઘણી વાર તમારી પાસેની સામાન્ય ક્ષમતા
બીજાની જિંદગીનો આધાર હોય છે.
તમારે માટે રમત વાત,
તે બીજા માટે જીવસટોસટનો જંગ હોઈ શકે...
તારો એક ફોન બીજા માટે લાઈફ લાઈન પણ હોય!!!
એવા સંજોગોમાં તમારું હદય ઉદાર રાખજો
અને જે કરવું જોઈએ તે કરી છૂટજો.

તમે તમારા પગ પર ઊભા હશો તો
તમારા ખભા પર બીજાઓ પણ આધાર લઇ શકશે,
તમો સ્વતંત્ર - મુક્ત અને આદર્શ હશો
તો બીજાને પણ સ્વતંત્રતા ને મુક્તિની રાહ ચીંધી શકશો...
ધનવાન થજો, પણ ધન્મોહી નહીં,
દયાળુ થજો, પણ દયાપાત્ર તો નહિ જ,
લાગણીશીલ થજો, પણ લાગણીહીન કદી નહીં
ઈર્ષાપાત્ર થજો, પણ ઈર્ષાખોર તો કદી નહીં...





પોતાના બચ્ચાને પાંખો આવી જાય પછી,

પંખીઓ રાહ જુએ છે કે
વિરાટ આકાશને એ પોતાનું કરી લે,
 ઊંચે ઊંચે ઉડે, મોતી જેવા દાણા ચણે
ને જિંદગીની ઉડાન સલામત રીતે આરંભે,
પણ પંખીના બચ્ચાંને આકાશથી વધારે
વ્હાલો હોય છે એનો માળો!
એક દિવસ પંખી એના બચ્ચાંને
વ્હાલથી સહેજ જ ધક્કો મારે છે, ઊડતા શીખવવા માટે.
બચ્ચું ગભરાય છે,
પછી પંખીનું બચ્ચું એકાએક માળાની બહાર ફંગોળાય છે
અને એની પાંખો ફફડવા લાગે છે,
ત્યારે એને પોતાને ખ્યાલ આવે છે કે
એને હવે ઊંચા આસમાને ઊડતા આવડે છે,
એના પિતા અને માતાની જેમ!
અને એ શોધી લે છે
પછી એનું પોતાનું આકાશ.
આપણે પણ આપણું આકાશ શોધી
મુક્ત વિહાર કરતાં રહીએ...
ઉડતા રહીએ... એ જ નિયતીનો ક્રમ છે...








પરમ પિતા
તમને એટલે આટલું બધું ચાહે છે
કે તમે બધાંને ચાહી શકો
એનો પ્રેમ કોઈ વાર ધોધની જેમ તમને ઘેરી લે છે
અને તમને મૂંઝવી પણ દે છે,
તે એટલા માટે કે
તમો આ દુનિયાને સાચી રીતે ચાહો ત્યારે
તમારો પ્રેમ કોઈને ઓછો ન પડે.

તમે ભીંજાઈ જાવ છો તેના સ્નેહની અધિકતાથી
તે એટલા માટે કે
તમારા સંપર્કમાં આવનાર જીવમાત્ર પણ
તમારી લાગણીથી વંચિત ન રહી જાય.

તમે છો સ્વસ્થ અને સલામત તેના હાથમાં,
એટલે જ કે તમારા બાહુઓ પર
ભરોસો રાખનારને મળે નિશ્ચીંતતા.
એટલે જ ઈશ્વરનું અઢળક વ્હાલ વરસે છે
તમારા પર ,
જેથી તમારા સ્નેહની વર્ષા મળે આ જગતને...
અવિરત અને નિતાંત...




આ જગત વિસ્મય અને આનંદથી છલકાય છે,
એનાથી આપણે જેટલા વધુ દૂર એટલું દુ:ખ,
જેટલા નજીક એટલું સુખ.
તમારા પર દુ:ખનો પડછાયો પણ ન પડે
એમ ઈચ્છીએ...
પણ દુ:ખ નામના રસાયણ વિના જીવનના
કર્મ, ધર્મ અને મર્મને તમો શી રીતે પામશો
એટલે જ્યારે પણ દુ:ખની ડાળ તમારા અસ્તિત્વ પર ઝૂકે
કે તુરત જ તમો એમાંથી જ્ઞાનના ફળને તોડી લેજો
મનુષ્ય તરીકે એ ફળ પર આપણો અધિકાર છે,
કારણ કે પૃથ્વી પરના સૌથી પહેલા મનુષ્યોને
એ જ ફળ પ્રાપ્ત થયું હતું.
આ જગત એ ફળના માધુર્યનો જ વિસ્તાર છે.
આપણું હોવું એ
સૌથી મોટી ચીજ છે જિંદગી
તમારી જિંદગીને મહામૂલા ખજાનાની જેમ જાળવજો.





તમારા ખભે કાવડમાં બેસીને
બંધ આંખે માવતર જાતરા ન કરે
તો પણ તમો જ એના શ્રવણ છો
તે જાણી લેજો...
તેમના સૂકા કંઠમાં અમૃત જેવાં મીઠા જળ
પહોંચાડવા માટે તમો હદયમાં
જીવલેણ તીર સહન કરી શકો છો
એમ તેઓ માને છે.
વહાલા દીકરાઓ, માત્ર શ્રવણના જ નહીં,
તમામ દીકરાઓના માતા પિતા બંધ આંખે, અંધ આંખે
પોતાના સંતાનો પર વિશ્વાસ રાખીને
જિંદગી  પસાર કરતાં હોય છે.
જે હાથે એક દિવસ તમને હીંચક્યા છે
એ જ હાથથી તમો ટેકણલાકડી બનજો
તમો અમારી સેવા કરો એના કરતાંય
સૌથી મોટી વાત અમારે માટે એ છે કે
તમે જ્યાં હો ત્યાં કાયમ
વિકસતા, સંપન્ન, પ્રેમાળ અને સ્વાધીન હો,
એ જ છે એમને માટે સૌથી મોટું સુખ.
કોઈ માવતરને સંતાનોની સેવા લેવી
ગમતી નથી...તેમનું હદય તો સદા
તેમના સુખની...સમૃદ્ધિની...કામના કરતું રહે છે
તે યાદ રાખજો...


No comments:

Post a Comment