Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, June 27, 2013

ખુબ  જ ઉપયોગી બે ઔષધો : ભાંગરો ને લોધર



                                                           ભાંગરો
              સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઈને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઈ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઈલો બજારમાં ઉપલબ્ધ થયાં છે અને આ તમામ હેરઓઈલો ભાંગરો તો હોય છે, ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાંખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.
            આમ જોવા જઈએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઈ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ઠ વનસ્પતિ છે. વાળ વધારવા માટે, વાળને રંગ આપવા માટે તથા વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે ભાંગરો શ્રેષ્ઠ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબજ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ઠના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.
                રસાયન પ્રયોગઃ જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.
સફેદ વાળઃ આજકાલ નાની વયના બાળકોને સફેદ વાળની સમસ્યા વધતી જોવા મળે છે. યુવાન યુવતી અને યુવકોને તો આ સફેદ વાળની સમસ્યા તો ડગને પગલે જોવા મળે છે. દરેક વ્યક્તિઓ સફેદ વાળનો તિરસ્કાર કરતી હોય છે, અને પોતાના વાળ કાળા બને તે માટે ઉપાયોની શોધ કરતી હોય છે. શાસ્ત્રોમાં સફેદ વાળને કાળા બનાવવા માટે તો અનેક પ્રયોગો છે. તેમાં ભાંગરાનું માધ્યમ અતિ શ્રેષ્ઠ છે. જુઓ……
૧.      ભાંગરાનાં ફૂલ, જાસૂદના ફૂલ અને ઘેટીનું દૂધ આ ત્રણેયને એક સાથે ઘૂંટીને બારીક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને લોખંડના વાસણમાં મૂકી તે વાસણને જમીનમાં દાટી દેવું. સાત દિવસ પછી તે વાસણને જમીનમાંથી બહાર કાઢી તેમાં ફરીવાર ભાંગરાનો રસ નાંખીને ઘૂંટવું. આ લેપ રાત્રે વાળમાં લગાવી તેનાં ઉપર કેળનું પાન બાંધી દેવું. સવારે માથું ધોઈ લેવું. આ પ્રયોગ થોડા સમય સુધી કરવાથી વાળ કાળા થાય છે.
૨.      ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. તેલના ટીપાં નાકમાં નાખવાથી વળિયા-પળિયા દૂર થાય છે.
        માત્રા – ભાંગરાનો રસ ૧૨૮ તોલા, જટઠીમધનું ચૂર્ણ ૪ તોલા, દૂધ ૬૪ તોલા અને તલનું તેલ ૧૬ તોલા, બધું ઉકાળતા માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ટીપાં નાકમાં નાંખવા.
૩.      ભાંગરાનો રસ ૧૦ ગ્રામ રોજ સવારે નરણા કોઠે પીવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.
સફેદ કોઢઃ લોખંડના વાસણમાં તલનાં તેલમાં ભાંગરો શેકવો. લૂગદી જેવું થાય એટલે આ ભાંગરો ખાવો અને તેના પર બિયાંની છાલથી પકાવેલું દૂધ પીવું. આ પ્રયોગ કરવાથી સફેદ દાગ મટે છે.
માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાડવાથી ચાંદા મટે છે.
વાળની સુંદરતાઃ ભાંગરાનું તેન માથામાં નાખવાથી વાળ ખરતા બંધ થાય છે તથા નવા વાળ આવે છે, તથા વાળની લંબાઈ પણ વધે છે, તથા વાળ ઘટ્ટ બને છે, મુલાયમ બને છે.
ખરતા વાળઃ ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઈ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઈ નવા વાળ આવે છે, વાળ ઝાડા તથા લાંબા પણ થાય છે.
સગેદ વાળ માટે તેલઃ આમળાં, અનંતમૂળ, હરડે, જેઠીમધ, મોથ, સુગંધી વાળો, બહેડાં, મહેંદીના પાન, કેરીની ગોટલી-આ તમામનો ૨૦-૨૦ ગ્રામ પાવડર લેવો. આ પાવડરને ૨૦૦ ગ્રામ ભાંગરાનો રસ તથા ૧૦૦ ગ્રામ આમળાંના રસમાં લોખંડના વાસણમાં ૧૫ થી ૨૦ કલાક સુધી પલાળવો. ત્યારબાદ તેમાં ૧ લિટર કાળા તલનું તેલ નાખી તપેલા પર બારી કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું. આ તપેલું ૬ થી ૮ દિવસ રાખવું. ત્યારબાદ તેમાં ભાંગરાનો રસ ૧૧/૨ લિટર, આમળાંનો રસ ૧ લિટર તથા ગળીના પાનનો રસ ૫૦૦ ગ્રામ નાખીને તેલ ઉકાળવું. તેલ પકવ થયા બાદ ઠંડુ થયા બાદ ગાળી લઈ બાટલમાં ભરી લેવું. આ તેલનું રોજ વાળમાં માલિશ કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થાય છે તથા ખરબચડા વાળ સુંવાળા અને ચમકદાર બને છે.
સફેદ વાળ માટે લેપઃ ૧. ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોખંડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.
૨. ભાંગરાનું ચૂર્ણ, મેથી, સોપારી અને લોખંડના કાટનો લેપ કરવાથી પણ વાળ કાળા થાય છે.
આભ્યંતર પ્રયોગઃ (૧) ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે. (૨) દરરોજ નરણા કોઠે ૧ તોલો ભાંગરાનો રસ પીવાથી વાળ સુંદર બને છે. (૩) ભાંગરાના રસનાં ટીપાં અથવા ભાંગરા તેલના ટીપાં નાકમાં નાખવાથી પણ વાળ કાળા થાય છે. (૪) ભૃંગરાજઘન, ભૃંગરાજાસવ વગેરેનું સેવન કરવાથી પણ ખરતા વાળ કે સફેદ વાળમાં ફાયદો થાય છે.



પઠાણી લોધર

             કેટલીક વનસ્પતિની આગવી ઓળખાણ હોય છે, આવી વનસ્પતિ આપોઆપ ઓળખાઈ જાય છે. જેમ કે લોધર નામનું જે વૃક્ષ થાય છે, તેના સફેદ પડતા પીળાં ફૂલ ૨ થી ૪ ઈંચ લાંબા દંડ પર આવે છે, અને આ પુષ્પ અને દંડ સુગંધી અને અતિ સુંદર હોય છે. પુષ્પ સહિત સુગંધી દંડને જોતા જ ખ્યાલ આવે છે કે આ લોધરનું વૃક્ષ છે. સામાન્ય રીતે લોધર ઘણાં રોગોમાં અતિ ઉપયોગી સિધ્ધી થયેલ છે. આપણે તો અહીં સૌંદર્ય વિષયક જ વાત કરવાની છે. સૌંદર્યપ્રાપ્તિ માટે ખાસ કરીને લોધરની છાલ વાપરવામાં આવે છે, તે શરીરના અનેક તંત્રો પર અનેક રોગોમાં કાર્ય કરે છે. પરંતુ સૌંદર્ય માટે તેના ઉપયોગો જોઈએ તો તે કુષ્ઠઘ્ન એટલે કે કોઢને મટાડે છે, તથા ચામડીના અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને ચામડીનો રંગ સુધારવા માટે તે ફાયદાકારક છે. આંખની આજુબાજુના કાળા, કુંડાળાં, ચામડી પરના કાળા ડાઘ (હાયપર પિગમેન્ટેશન) વગેરેને મટાડવામાં ખૂબ ઉપયોગી છે. લોધર તુરું અને શીતળ હોવાથી ખીલ તથા ખીલના ડાઘ અને ખીલથી થતા ખાડા વગેરે મટાડવા માટે ઉપયોગી છે.
ખીલ
(૧)    લોધર, ઘોડાધ્વજ, ધાણા, અને ઉપલેટનું સમભાગ ચૂર્ણ બનાવી પાણી અથવા કોથમીરના રસમાં ઘૂંટીને તેનો લેપ ખીલ ઉપર કરવાથી ખીલ મટે છે.
(૨)    લોધર, કપૂરકાચલી, ઘોડાધ્વજ, ચંદન તથા લીમડાની છાલ અથવા લીમડાના પાન-આ તમામને પાણીમાં નાખી ગરમ કરવું. વાસણમાંથી જે વરાળ નીકળે તે વરાળનો શેક ખીલ પર કરવાથી પરુવાળા ખીલ તથા કાચા ખીલ મટે છે.
(૩)    ખીલમાં ચાંદા પડી ગયા હોય તો તુંબડીના પાન અને લોધરની છાલનું ચૂર્ણ સમભાગ લઈ પાણી સાથે લેપ કરવો.
કાળા દાગ+કાળા કુંડાળાઃ
(૧)    લોધર, મજીઠ, લાલચંદન, સરસવ, મસૂરની દાળ તથા હળદરનો પાવડર બનાવી ગુલાબ જળ કે પાણી સાથે લેપ કરવાથી કાળા દાગ તથા કુંડાળાં વગેરે મટી જાય છે અને ચામડી ગોરી અને સુંવાળી બને છે.
(૨)    લોધર, કપૂરકાચલી, મજીઠ, લાલચંદન અને લાખને તલના તેલમાં ઉકાળી લેવું.  તેલથી દરરોજ માલિશ કરવાથી કાળા દાગ દૂર થઈ ત્વચા ગોરી તથા મુલાયમ બને છે તથા શિયાળામાં ચામડી ફાટતી નથી.
(૩) લોધરના ઉકાળાથી મોં તથા આંખો ધોવાથી કે મોં પર ઉકાળો છાંટવાથી મુખ પર થતી ઝાંય, કાળા દાગ, આંખની આસપાસ થતાં કુંડાળાં, ફોલ્લીઓ વગેરે મટે છે.
(૪)    લોધરની છાલનું ચૂર્ણ ઘીમાં સહેજ શેકી પાણી સાથે તેનો આંખની આસપાસ જાડો લેપ કરવો. આ પ્રકારના લેપને બિડાલક કહે છે. સામાન્ય ભાષામાં બિલાડો કરવો કહેવાય છે. આ બિલાડાથી કુંડાળાં મટે છે.
ખીલ અને શીતળાના ખાડાઃ લોધર, વરિયાળી અને ફૂલાવેલી ફટકડીનો પાવડર પાણી સાથે ઘૂંટીને ખીલના કે શીતળાના ખાડા પર કે ત્વચાજન્ય કોઈ પણ નિશાન પર લેપ કરવામાં આવે તો ધીમે ધીમે ખાડા મટી જાય છે, નિશાન જતાં રહે છે.
પરસેવાની દુર્ગંધઃ
(૧)    લોધર, અગર, જટામાંસી, કમળ, સુગંધી વાળો, કપૂર, જાંબુના પાનનો પાવડર બનાવી ચણાના લોટ સાથે મેળવી લેવો. આ પાવડરને શરીર પર ઘસીને કે ચોળીને નહાવાથી શરીરની ચિકાશ દૂર થાય છે, અને શરીર સુગંધિત બને છે.
(૨)    લોધર, મજીઠ, ગોદંતીભસ્મ, દારૂહળદર, લાલ ચંદન, સફેદ ચંદન તથા શંખજીરૂ મેળવી તેનો બારીક પાવડર બનાવવો. ટેલ્કમ પાવડર બનાવવો. આ ટેલ્કમ પાવડરથી ખીલ, અળાઈ, પરસેવાની દુર્ગંધ વગેરે મટે છે, તથા ચામડીના દાગ પણ દૂર થાય છે.

 

Wednesday, March 20, 2013

સુવાક્યો - ૨

  1.  માત્ર શાસ્ત્રો વાંચીને ઈશ્વરને જાણવો તે તો એવી વાત છે કે જેમ નકશામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સંભળાવવું. -- રામકૃષ્ણ પરમહંસ
  2. સારો પ્રયાસ નિષ્ફળ જતો નથી. -- વિલ્સન
  3. અંત:કરણ એ અંદરનો અવાજ છે જે ચેતવણી આપે છે કે કોઈક જોઈ રહ્યું છે. --એચ.એલ.મેનકેન
  4. આપણું લક્ષ્ય એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
  5. તમારા દીકરાને એક ફૂલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સૂંઘી શકશે, એને છોડ ઉગાડવાનું શીખવી દો - એ રોજ સુવાસ માણી શકશો.
  6. પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.
  7. જયારે લક્ષ્ય હાંસલ થઇ શકે તેમ ન હોય ત્યારે તેને બદલવાને સ્થાને પ્રયાસો બદલવા જોઈએ. - કન્ફ્યુશિયસ
  8. વિશ્વમાં કશું પણ કાયમી નથી, આપણી સમસ્યાઓ પણ કાયમી નથી. - ચાર્લી ચેપ્લિન
  9. લેવામાં ક્ષણિક સુખ છે, આપવામાં અધિક સુખ છે.
  10. ઉધ્ધાર કરવા રામને વનમાં જવું પડે, અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?
  11. એક અસત્ય છુપાવવા માટે અનેકવાર અસત્ય બોલવું પડે છે.
  12. ઉત્સાહથી મોટું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે સંસારમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. -- વાલ્મિકી
  13. સમય, મૃત્યુ અને ગ્રાહક કોઈની રાહ જોતા નથી.
  14. જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ કરી શકતા નથી.
  15. જ્યાં ખોટું બોલવાનું પરિણામ સત્ય બોલવા જેટલું મંગલમય હોય ત્યાં ખોટું બોલવું ઉચિત છે. -- વેદ વ્યાસ
  16. વૃક્ષોને જાણ્યા પછી હું ધીરજનો અર્થ સમજી શકું છું. ઘાસને જાણ્યા પછી હું ટકી રહેવાની પ્રશંસા કરી શકું છું. - હેલ બોલેંન્ડ
  17. મનુષ્યનો દ્વેષ ઓછો કરી મુશ્કેલ સ્થિતિમાં પણ તે સત્ય સાથે અડગ રહે તે જ ધર્મનો સાચો ઉપદેશ. -- મહાત્મા ગાંધી
  18. જીવનમાં અનેકવાર એવાં પ્રસંગો ઊભા થાય છે, જયારે સામેવાળા માટે અત્યંત મહત્વની હોય એવી વાત એને કઈ રીતે કહેવી એ આપણને નથી સમજાતું.
  19. બળપૂર્વક પ્રેમ ધૃણા પેદા કરે છે, તેવી જ રીતે ધાર્મિક વિચારોથી મનુષ્યને વિવશ કરવાથી અવિશ્વાસ પેદા થાય છે. -- શોપેન હાવર
  20. પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. -- જોન પોલ

Thursday, February 21, 2013

આરોગ્ય – એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે ?

                     આપણા શરીર પર કેટલાક બિંદુઓ હોય છે જે બાયોઇલેક્ટ્રીકલ આવેગો પર પ્રતિક્રિયા આપે છે અને ઊર્જાનું વહન પણ કરે છે. જ્યારે આ બિંદુઓ પર દબાણ સર્જવામાં આવે છે ત્યારે એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે જે પીડાને ઓછી કરવાનું અને લોહી અને ઓક્સિજનના પ્રવાહને વધારવામાં મદદરૂપ બને છે. તે શરીરની બીમારી માટે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને સ્નાયુઓને આરામ આપી તેમને તાજામાજા બનાવી દે છે. એટલું જ નહીં આનાથી તણાવ અને ચિંતામાં રાહત મળવામાં મદદ મળે છે અને શરીરને સંતુલન મળવાની પરવાનગી મળે છે.
---- એક્યુપ્રેશરમાં એવું માનવામાં આવે છે કે આપણા શરીરમાં 12 ચેનલ છે, જે તમામ શરીરના દરેક હિસ્સા સાથે સંબંધ ધરાવતી હોય છે. આ ચેનલ ચેતાતંત્ર સાથે જોડાય છે.
---- જ્યારે શરીરના કોઇ ભાગમાં કોઇપણ પ્રકારની અડચણ આવે છે, એક્યુપ્રેશરના માધ્યમથી બળ આ અડચણ દૂર કરે છે અને લોહીનો પ્રવાહ, ઓક્સીજન અને સકારાત્મક ઊર્જાના સમગ્ર પ્રવાહને સુનિશ્ચિત કરે છે.
---- એક્યુપ્રેશર માટે એક કુશળ ડૉક્ટરની આવશ્યકતા હોય છે.
----એક્યુપ્રેશર માત્ર દર્દ દૂર કરવાનો જ નહીં, પણ એક સારું અને સ્થિર જીવન જીવવાનો માર્ગ છે.
----તે સ્નાયુઓની તંદુરસ્તીમાં મદદ કરે છે અને ત્વચાની બનાવટમાં સુધારો લાવવા માટે એક સૌંદર્ય ઉપચાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
---- એક્યુપ્રેશર તમે તમારી અન્ય મેડિકલ સારવારની સાથે પણ કરાવી શકો છો. એક્યુપ્રેશરમાં એક દબાવ  બિંદુ માટે બે સંદર્ભિત ફ્રેમ, કેન્દ્રિય બિંદુ અને ટ્રિગર બિંદુ હોય છે. જ્યારે એક ખાસ બિંદુ પર જોરથી દબાણ સર્જવું હોય ત્યારે કેન્દ્ર બિંદુનો પ્રયોગ થાય છે અને ટ્રિગર બિંદુનો પ્રયોગ બિંદુની નજીકમાં દબાણ લાદવા માટે કરવામાં આવે છે.
---- દરેક બિંદુ અનેક બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે.
                    એક્યુપ્રેશરનો અર્થ છે શરીર પર 12 ચેનલોમાં રહેલા વિશિષ્ટ બિંદુઓ પર પ્રભાવ પાડવો. મુખ્ય ચેનલમાં લગભગ 365 બિંદુઓ હોય છે અને 650 એકલા દબાણ બિંદુઓ હોય છે. માટે જ એક્યુપેશર માટે એક પ્રમાણિત ડૉક્ટરની જરૂર હોય છે. પીઠની પીડા, માથાનો દુખાવો, તણાવ અને એકલતાને દૂર કરવા માટે એક્યુપ્રેશર અત્યંત કારગર છે. પણ ગર્ભવતી મહિલાઓ અને હાઇ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિઓએ આનો પ્રયોગ ન કરવો જોઇએ.
                                 

Wednesday, February 20, 2013

વેલેન્ટાઈન ડે

            
              અમેરિકન  સંત વેલેન્ટાઈનની યાદમાં '૧૪ ફેબ્રુઆરી'નો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમીઓના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. વેલેન્ટાઈનનો શાબ્દિક અર્થ છે "પ્રેમ-પત્ર". પણ આ દિવસે પ્રણય-નિવેદનને માટે કોઈ પ્રેમ-પત્રની આવશ્યકતા નથી હોતી. પરંતુ જે જેને પ્રેમ કરે છે , સીધો એની સમક્ષ પોતાના પ્યારનો ઈઝહાર એક ફૂલ આપીને કરી શકે છે. આ પ્રણય-નિવેદનને આ દિવસે ન તો કોઈ ખરાબ મને છે કે ન તો કોઈનું અપમાન કરવામાં આવે છે. મૂળ તો આ દિવસ આધુનિક અમેરિકી સભ્યતાનો એક હિસ્સો છે, અને ત્યાંથી જ આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિની વિસ્તાર લગભગ પુરા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. "વેલેન્ટાઈન ડે" કોલેજોમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પરંતુ તેમાં પ્રેમને બદલે મલીન પ્રેમની અભિવ્યક્તિ હોય છે, પવિત્રતા હોતી નથી. સાચો પ્રેમ શરતી કે વાસનાત્મક હોતો નથી. પતિ-પત્ની, ગુરૂ શિષ્ય, ભક્ત-ભગવાન, બે સાચા મિત્રો વચ્ચે સાચો પ્રેમ વ્યક્ત થતો હોય છે.
              ભારતીય પરંપરામાં પણ આવા પર્વનો ઉલ્લેખ છે. હજારીપ્રસાદ દ્વીવેદીજીનું પુસ્તક બાણભટ્ટની આત્મકથા માં મદનોત્સવનું વિસ્તૃત વર્ણન મળે છે. જેનું આયોજન ખૂબ ધૂમધામથી થતું હતું. તેને વસંતોત્સવ પણ કહેવામાં આવતું હતું. આ ઉત્સવનો આનંદ વસંતપંચમીથી લઈને હોળીના દિવસ સુધી મનાવવામાં આવે છે. નગરના બધા જ યુવક-યુવતીઓ નવીન વસ્ત્ર પહેરી સાજ શ્રુંગાર કરી ગલીઓમાં એકત્ર થઈને ફરતાં હતાં અને હોળીને દિવસે મસ્તી કરતાં કરતાં આ ઉત્સવને અંતમાં વિદાય આપતા હતાં. આ ઉત્સવ દરમ્યાન કેટલાય યુગલ એકબીજા સમક્ષ પ્રણય નિવેદનનો સ્વીકાર કરી લગ્નના બંધનથી બંધાઈ જાય છે. આ રીતે હર્ષોલ્લાસ સાથે આ પર્વ મનાવવામાં આવતું હતું. જે આજની મોડર્ન સોસાયટી માંથી લુપ્ત થવા લાગ્યું છે. પરંતુ ભારતીય આદિવાસીઓ આજે પણ આ પર્વને ઉલ્લાસપૂર્વક ઉજવે છે. જેમાં આદિવાસીઓ પોતાની પેટાજ્ઞાતિ પ્રમાણે આ તહેવાર મનાવે છે. આદિવાસીની એક પ્રજાતિ એને ઘોટુલ ના નામથી મનાવે છે. એમાં ગામકસ્બાના આદિવાસી યુવક-યુવતીઓ ભેગા મળી નાચગાન કરે છે. એમાં એકબીજાને પસંદ કરતાં હોય એવા યુગલ જેઓ લગ્ન કરવા માંગતા હોય તેઓ એક દિવસ પૂરતાં ત્યાંથી ભાગી જાય છે એ તેમના પરિવારજનો તેમને શોધી લાવે છે અને ધામધૂમથી તેમના લગ્ન કરાવે છે. બસ્તર આદિવાસીઓ આ રીતે ઘોટુલ મનાવે છે. (જેન આપણે વેલેન્ટાઈન ડે થી ઓળખીએ છીએ.) આ જ રીતે ઝાબુઆ જાતિ પણ ભાગોરીયા નામથી આ દિવસ મનાવે છે. જે જોડું મેળામાં મળીને ભાગી જાય છે તેના પાછા ફર્યા પછી રીતરીવાજ પ્રમાણે લગ્ન કરાવી અપાય છે. આ એક જ દિવસ આવી છૂટ હોય છે કે તેઓ પોતાના મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકે છે. એટલે મૂળભૂત રીતે તો વેલેન્ટાઈન ડે ભારતીય પ્રાચીન રૂપ છે. જેને આજે પણ આદિવાસી પ્રજાએ જીવંત રાખ્યું છે. આ દિવસની એક ખૂબસુરતી એ છે કે આ દિવસે કોઈ પણ પ્રકારના ડર વિના પોતાના પ્રેમને અભિવ્યક્ત કરી શકાય છે અથવા તો કોઈના પ્રણય-નિવેદનનો સ્વીકાર-અસ્વીકાર કરી શકાય છે.
          ખુબસુરત ગુલાબોનો ગુલદસ્તો કે માત્ર એક ગુલાબ આપી પૂછવામાં આવે છે કે વિલ યુ બી માય વેલેન્ટાઈન? કારણ કે આજ તો એ દિવસ છે કે જે ફૂલોની જેમ કોમળ છે. તે ફક્ત ભાવનાઓને વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસ ફક્ત આપવા માટેનો દિવસ છે, લેવા માટેનો નહિ. આ ખૂબસુરત દિવસની ખુબસુરતી વધારે સુંદર બનાવવા માટે કંઇક એવી સુંદર અને ભાવપૂર્ણ યાદોને સજાવવી જોઈએ જે વર્ષભર પોતાની ખુશ્બુ વેરતી રહે અને સામેની વ્યક્તિ સાલભર માત્ર આ જ દિવસનો ઇન્તજાર કરતી રહે.

કાલની દીકરી

કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,
કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,
કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,
માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,
રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,
કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,
ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,
હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,
માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,
બેન સાથે લડતી જગડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,
ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,
પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,
છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,
અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.
 
લેખક : અજ્ઞાત