Blogger Widgets અરમાન: આધુનિકતામાં ઓઝલ થતું બાળપણ...

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Wednesday, February 12, 2014

આધુનિકતામાં ઓઝલ થતું બાળપણ...

             એક મિત્રએ મને પ્રશ્ન કર્યો, છેલ્લા પાંચ-સાત વર્ષોમાં તમને લોકોમાં કેવું પરિવર્તન દેખાય છે? એ સમયે મારા મનમાં જે વિચાર આવ્યો હતો તે મુજબ મેં કહી દીધું હતું, અ...જન્મદિન, લગ્ન, ઉદઘાટન વગેરે જેવા સામાજિક પ્રસંગોમાં ઘણાં લોકો હવે ફૂલ કે ફૂલોનો ગુલદસ્તો લઈને જાય છે! મારી વાત સાથે મિત્ર સંમત તો થયો હતો પણ સામે બીજો એક પ્રશ્ન મને પૂછી નાંખ્યો હતો. ‘…પણ એમાં સુગંધ તો હોતી નથી, તોયે?! હું ઘડીભર વિચારમાં પડી ગયો હતો, પણ અંત:સ્ફુરણાથી જે જવાબ સૂઝયો તે આવો હતો: હા, એને આધુનિકતાની દ્વિધા સમજી લો!
        એ નવી જાતના હાઇબ્રીડ બિયારણના ફૂલો હતા. જેમાં તેનું બાહ્ય સૌંદર્ય તો નિખર્યું હતું, પણ અંદરની સોડમ ગૂમ થઈ ગઈ હતી. છતાં સત્ય એ છે કે લોકો એવા ફૂલો પાસે વધુને વધુ સંખ્યામાં પહોંચી રહ્યાં છે. આને આધુનિકતાની દ્વિધા જ કહીશું ને? આ સંદર્ભમાં શાળામાં ભણતાં બાળકો વિશે વિચારીએ.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5j7U0Z6i644xUwy0ss8wYrq8rryuf_fYOW6vBezTlRStW1ztx6ZVzRAxXWX7ywmgYt_HzdBk4ytoyeTiXD9P5oZH3siWU1qvVRpgCctyVOMBqcZkBhigUQ-ZvsqceCrEvHcejAwV_SU5g/s1600/Childhood.jpg 
        બાળકોના ઉછેરનો મુખ્ય આધાર પરિવાર છે. ભારતીય પરિવારનું પ્રાચીન સ્વરૂપ સયુંક્ત પ્રકારનું હતું. સાથે રહેવું, રમવું, જમવું, ફરવા જવું જેવી ક્રિયાઓમાં ભાવનાત્મક જોડાણ બની રહેતું. જીવનના સુખ-દુ:ખનું શિક્ષણ આપોઆપ એમને મળી રહેતું. એકબીજાની જવાબદારીઓ સમજવાની, ઉઠાવવાની અને શીખવવાની પ્રવૃત્તિ બહુ સાહજિક રીતે થતી હતી. દાદા-દાદીની વાર્તાઓ બાળકોના જીવનની ચોપડી ગણાતી અને તેમાંથી જીવન મૂલ્યોની સુગંધ બાળકોમાં સંસ્કરિત થતી હતી.
        હા, એ ખરું કે તે સમયે સ્ત્રીઓના વિકાસની તકો ભાગ્યે જ  તેમના નસીબમાં આવતી. આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આવેલા પરિવર્તને સ્ત્રીઓની સ્વતંત્રતાને પાંખો તો આપી પણ બાળકોની સુગંધને ઉડાડી દીધી છે. સયુંક્ત પ્રથા લુપ્ત થઈ રહી છે, દાદા-દાદીની વાર્તાઓ પણ હવે જુનવાણી અને બકવાસ ગણાઈ રહી છે. મા-બાપ બંને ભણીને નોકરીમાં વ્યસ્ત થઈ રહ્યાં છે, કેમ કે, હવે એકલે હાથે ઘણીબધી(!?) જવાબદારીઓ ઉઠાવવાની નોબત આવી છે.
        હવે, બાળકોની શક્તિઓને આકાશ આપવાની વાત તો ઠીક આંગણું આપવાની પણ ફૂરસદ નથી. ઘરના લોકો સાથેના વ્યવહારમાંથી બાળકો જે સંસ્કાર, કેળવણી પામતા હતાં તે હવે મર્યાદિત માણસોમાં સીમિત થઈ ગયા છે. અરે કેટલાક પરિવારમાં તો બધા સભ્યો ચોવીસ કલાકમાં માંડ બે-ત્રણ કલાક એક સાથે જોવા મળે છે! વિકાસની આડ અસર કહો કે સ્વયંમાં સીમિત થઈ જવાની પ્રવૃત્તિ ગણો, માતા-પિતાઓ હવે પોતાની દુનિયાને જ નવા નવા સ્વપ્ના, સંબંધો, અને પ્રવૃત્તિઓથી એટલી વ્યસ્ત બનાવવા માંડ્યા છે કે પોતાના સંતાનની દુનિયામાં તેઓને ઝાઝો રસ નથી. ઊલટું, પોતે જે ન કરી શક્યા તે તેમના બાળકો પૂર્ણ કરી દે તેવી ઊંચી ઊંચી અપેક્ષાઓના મહેલો રચી રહ્યાં છે. કુટુંબનું આધુનિક સ્વરૂપ બાળપણને કેળવવામાં અસમર્થ બની રહ્યું જણાય છે, કેમ કે એકબીજાને જોડનારી લાગણીની દોરી પણ કાચા વણાટવાળી બની રહી છે. (કાચી દોરીમાં ગાંઠ વધે, ખરું ને?!) શાળાઓ અને શિક્ષકોને માથે જાણે કપરો કાળ આવ્યો છે!
        આજકાલના બાળકો પોતાની જિજ્ઞાસાઓમાં પાછળ નથી, પણ એને સંતોષનારા જવાબો તેમને મળતા નથી. તેમણે ખેતરો કે વાડાઓ જોયા નથી એટલે પનીર ક્યાંથી આવે? એવા પ્રશ્નનો તેમનો ઉત્તર હોય છે ખેતરોમાંથી. કેમ કે, તે ખાવાની વાનગી છે!! તેઓ હવે રજાના દિવસે મામાના ઘરે જતા નથી, શોપિંગ મોલ્સમાં વધુ જાય છે. તેઓ હાઈ-ફાઈ શાળાઓમાં ભણે તો ગામડાઓના બાળકોના સંઘર્ષને ક્યાંથી જાણે? રૉબોટ અને કારના આધુનિક રમકડાઓએ તેમના જીવનમાં સાદા-સરળ જીવનની ખુશીને આવવા જ નથી દીધી. વિડંબણા એ છે  કે બીજી તરફ આનાથીયે બદતર હાલત અને અભાવમાં ઉછરી રહેલાં બાળકો, જેમની પાસે કુટુંબ છે પણ તેના સભ્યો પાસે સમય નથી. કેમ કે, જરૂરિયાતોની પૂર્તિમાં જ તેમની જિંદગી સમાપ્ત થઈ જાય છે.              
        આધુનિકતાના ઓછાયામાં આજે બાળપણ આધુનિક બન્યું છે. હવે તે તોતડાતું ડા...દા બોલે તેની કરતાં અંગ્રેજીમાં અંકલ બોલે તે આપણને વધુ વહાલું લાગે છે. પહેલા પાંચ-છ વર્ષ સુધી માતા-પિતા સાથે સૂઈ જતું બાળક હવે નર્સરીથી જ  અલગ રૂમમાં સૂઈ જાય તેવી વ્યવસ્થામાં આપણે પડી ગયા છીએ, નહિ? નદી, તળાવમાં નહાવાને હવે આપણે બિનઆરોગ્યપ્રદ ગણીને તેને કોઈ હોટેલ કે સ્વિમીંગ પૂલમાં મોકલી રહ્યા છીએ. બાળકોને દર વર્ષે શહેરમાં યોજાતા રામલીલા મહોત્સવને જોવા લઈ જવાનો હવે આપણી પાસે સમય નથી એટલે સંજય લીલા ભણશાળીની રામલીલા બતાવી દઈએ છીએ! કામ પત્યું!! બાળકોના શરીર-મનની પાયાની આવડતો કેળવવાને બદલે આપણે તેને લિટલ ચેમ્પ ! બનાવવાની હોડમાં ઉતારી રહ્યા છીએ.
        પરિવર્તનો હંમેશા પોતાની સાથે સારા અને નરસા પાસા લઈને આવે છે. પણ આપણે પોતાની ખુશી જાળવવામાં બાળકોને એકલા છોડી દેવાનો ખતરનાક રસ્તો અપનાવવા માંડ્યા છીએ. ભાઈ-બહેનની લડાઈને બેસીને ઉકેલવાને બદલે આપણે એકને ટી.વી. અને બીજાને મોબાઈલ આપીને બેસાડી દીધા. જ્યારે બાળકોએ બાગ-બગીચામાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આપણે તેને શોપિંગ મોલમાં લઈ જવાનો વાયદો કર્યો. રાત્રે વાર્તા કે ગીત સાંભળવાની તેઓની ઈચ્છા પર તેને આઇપેડનું ઇયરફોન કાનમાં લગાડીને આપણે પાણી ફેરવી દીધું! હવે તમે જ વિચારો બાળકોના બાળપણને કોણે છીનવ્યું, ટેક્નોલૉજીએ કે આપણી અસમર્થતા કે સ્વાર્થે?!
        બાળકોની નવી પેઢી G છે. એ ગિલ્લી-દંડા કે ભમરડાવાળી નથી જ. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના બાળકો પર મીડિયા અને ટેક્નોલોજીનો જે પ્રભાવ છે તેને અંદાજિત આંકડામાં રજૂ કરું તો 42  ટકા બાળકોના રૂમમાં ટી.વી. છે, 29 ટકા પાસે ડી.વી.ડી પ્લેયર અને 11 ટકા પાસે વીડિયો ગેમ્સ છે. એક-બે વર્ષનું બાળક પણ રોજની સરેરાશ 53 મિનિટ ટી.વી. જુએ છે! પણ AVG નામની ઇન્ટરનેટ સુરક્ષા કંપનીએ કરેલું સર્વે ચોંકાવનારું છે. તે સર્વે મુજબ જે બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે તેમાનાં મોટાભાગના બૂટની દોરી બાંધવામાં અસફળ રહ્યાં હતા! નવી પેઢી વાંચનથી દૂર થઈ રહી છે એટલે તેની એકાગ્રતા અને કલ્પનાશક્તિ પણ બુઠ્ઠી બની રહી છે.
        વડીલોએ જ આધુનિકતાની વ્યાખ્યા સમજવામાં ગરબડ કરી છે એટલે શું થાય? આ પ્રશ્નનો ઉત્તર એક લેખિકાએ આમ આપ્યો છે, વાંચો. ‘…આપણી પાસે બાળકોને આપવા જેવા સંબંધો ક્યાં છે? સ્કૂલ, હોબી ક્લાસ, જીમ, અને ટ્યુશન ક્લાસની દોદધામમાં એ ગલી-મહોલ્લામાં ક્યારે અને કોની સાથે વાતો કરે? પણ બાળપણની એ ખાસિયત છે કે તેણે દુ:ખમાં જીવવું હોતું નથી. એટલે એ તો સુખને 32 ઈંચના ટી.વી.ના પડદા પરના કાર્ટૂન કે છોટા ભીમમાં, નોટપેડના 18 ઈંચના પડદા પરના ફેસબૂકમાં, કે મોબાઇલના 9 ઈંચના પડદા પરના વોટ્સઅપ પરની મિત્રોની ગોઠડીમાં શોધી કાઢશે...
        આધુનિકતામાં ભારતીય બાળપણ સાચે જ વિકસી રહ્યું છે કે કરમાઇ રહ્યું છે? વિચારો કે બાળપણને ખીલવવાનો તમારી પાસે આનાથી વધારે સારો વિકલ્પ છે વાલી અને વાચક મિત્રો?

                                                                                                      -ડૉ. વિજય મનુ પટેલ (ગુજરાત ગાર્ડિયન)
 

No comments:

Post a Comment